'વાંચે ગુજરાત' : Knowledge is power સૂત્રને અમલમાં મૂકતો પ્રોજેક્ટ

ભારતની શિક્ષણ પદ્ધતિને ધરમૂળથી બદલવાનાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો આજ દિન સુધી એટલી મોટી સંખ્યામાં કરાયાં છે કે તેમનું એક સંકલિત પુસ્તક બનાવો તો તે દળદાર ગ્રંથનું સ્વરૂપ પામે. ભારતમાં અંગ્રેજોએ વર્ષો પહેલાં દાખલ કરેલી (અને એક્સ્પાયરી ડેટ ક્યારની વટાવી ચૂકેલી) શિક્ષણપ્રણાલિમાં શા ફેરફારો કરવા, કેવી રીતે જે તે ફેરફારનું અમલીકરણ કરવું અને શી રીતે સર્વાનુમતે તેને સ્વીકૃતિ અપાવવી તે અંગેનું પિષ્ટપેષણ જો કે આપણે ત્યાં એટલું લાંબું ચાલતું હોય છે કે ઘણાં ખરાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો સહજ કાગળ પર જ રહી જવા પામે છે. દરમ્યાન કિંમતી સમય વીતતો જાય છે અને નવી પેઢી તેના પાઠ્યપુસ્તકિયા જ્ઞાનના આધારે 'ગ્રેજ્યુએટ'ના સિક્કા સાથે સ્કૂલ-કોલેજોમાં તૈયાર થઇને નીકળે છે. ભારતની 'ડિગ્રી ડ્રિવન' સોસાયટીમાં એ પેઢી આજે ભલે પોતાનું ફોડી લેતી હોય, પણ આવતી કાલે જમાનો 'નૉલેજ ડ્રિવન' સોસાયટીનો હશે. ડિગ્રીનું ખાસ મહત્ત્વ એવા માહોલમાં રહેવાનું નથી. નેશનલ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓમાં ઉમેદવારની પસંદગી જે તે વિષયમાં તેના નૉલેજના આધારે તેમજ વૈચારિક કૌશલ્યના આધારે થવાની છે. ટૂંકમાં, નૉલેજ ઇઝ પાવરનું સૂત્ર પ્રેક્ટિકલ રીતે ત્યારે અમલમાં મૂકાવાનું છે.

વાત ભવિષ્યની છે. વળી ભવિષ્ય બહુ દૂરનુંય નથી, છતાં નવી પેઢીની આવતી કાલ સુધારવા માટે આજે આપણી શી તૈયારી છે ? હાલ તો જવાબમાં હતાશાનો સૂર નીકળે એવી સ્થિતિ છે. બહુધા સ્કૂલ-કોલેજોમાં હજી પણ પ્રેક્ટિકલ તેમજ જનરલ નૉલેજને બદલે પાઠ્યપુસ્તકિયા લેસનો પર ભાર મૂકવામાં આવે છે. પાઠ્યપુસ્તક બહારની દુનિયાથી વિદ્યાર્થીઓને મોટે ભાગે અલિપ્ત રાખવામાં આવે છે. મનમાં પેદા થતા વિવિધ સવાલો પૂછવાની તેમને મોકળાશ નથી અને પાઠ્યપુસ્તકમાં જેનો સમાવેશ ન થયો હોય તેવા મુદ્દા પરીક્ષામાં લખવાની તેમને માટે ગુંજાશ પણ નથી. આ જાતની ગૂંગળામણ વચ્ચે એક ડિગ્રીધારી ગ્રેજ્યુએટ તૈયાર થઇ શકે, વિચારક યાને કે thinker નહિ.

ભારતની જરીપુરાણી શિક્ષણપ્રણાલિમાં આવકારદાયક સુધારા થાય ત્યારની વાત ત્યારે, પણ દરમ્યાન પરંપરાગત એજ્યુકેશન સિસ્ટમ વચ્ચે ઉછરતી નવી પેઢીમાં થોટ પ્રોસેસ ખીલવી શકે એવો કોઇ કીમિયો ખરો ? કેમ નહિ ! એક સરળ અને પ્રેક્ટિકલ ઉપાય નવી પેઢીને ઇતર વાંચન તરફ ઢાળવાનો છે. પાઠ્યપુસ્તક બહારની દુનિયા તેમને વિવિધ વિષયોના પુસ્તકો વાંચતા કરીને દેખાડવાનો છે અને સરવાળે તેમને સવાલો પૂછતા કરી મગજમાં ચાલતી થોટ પ્રોસેસ ટૉપ ગિઅરમાં નાખવાનો છે.

આ સંદર્ભે એક સુખદ સમાચાર થોડા વખત પહેલાં આવ્યા. એક અખબારી રિપૉર્ટ મુજબ ગુજરાતના મુખ્યમંત્રીએ 'વાંચે ગુજરાત' બેનર હેઠળ નવી પેઢીને પાઠ્યપુસ્તક ઉપરાંત વિવિધ વિષયોનાં પુસ્તકોના વાંચન તરફ વાળવાની યુનિક યોજના ઘડી છે. ગુજરાતની સુવર્ણ જયંતિના વર્ષ (૨૦૧૦-૨૦૧૧) દરમ્યાન ૫૦ થી વધુ પુસ્તકો વાંચનાર વિદ્યાર્થીઓની મૌખિક કસોટી લઇ તેમને પુરસ્કૃત કરવાનો પણ પ્લાન છે. મુખ્યમંત્રીએ વળી પ્રજાજોગ સૂચન કર્યું છે કે રાજ્યના પચાસ લાખ પરિવારો તેમના ઘરમાં પચાસ પુસ્તકોનું મિનિ પુસ્તકાલય સ્થાપે. 'વાંચે ગુજરાત' બેનર હેઠળ નક્કી કરાયેલો પ્લાન નવતર કિસમનો છે. સરકારી લેવલે યોગ્ય રીતે જો તેનું અમલીકરણ થાય અને મુખ્યમંત્રીના સૂચનને અનુસરી ગુજરાતના પચાસ લાખ પરિવારો પોતાના ઘરમાં પુસ્તકોને માનભેર પ્રવેશ આપી સ્વતંત્ર હોમલાયબ્રેરી બનાવે તો નાનપણથી પુસ્તકોના વાતાવરણ વચ્ચે ઉછેર પામનારી ગુજરાતની નવી પેઢીનું (અને સરવાળે ખુદ ગુજરાતનું) ભાવિ સુખદ રીતે બદલાય એ શક્ય છે.

આવતી કાલની 'નૉલેજ ડ્રિવન' સોસાયટીમાં પોતાનું આગવું અસ્તિત્વ બનાવવા માટે તેમજ અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવી પેઢીને અત્યારથી જ્ઞાન નામના અમોઘ શસ્ત્ર વડે સજ્જ કરવાની જરૂર છે--અને ગુજરાત સરકારના 'વાંચે ગુજરાત' જેવા પ્રોજેક્ટ્સ વડે એ કામ અસરકારક રીતે કરી શકાય તેમ છે.