લોકશાહી દેશમાં સંસદસભ્યોનો રાજાશાહી ઠાઠ

આઝાદ ભારતની પહેલી લોકસભા ચૂંટણી ૧૯પ૨માં થઇ ત્યારે પાર્લામેન્ટના સભ્યપદને ફુલટાઇમ વ્યવસાય ગણવામાં આવતો ન હતો. લોકસભામાં કે રાજ્યસભામાં બેસીને સરકારના વહીવટીતંત્ર પર જાપ્તો રાખવો તે એક પ્રકારની રાષ્ટ્રસેવા મનાતી હતી, જેમાં એક તરફ મોભો વધવા સાથે બીજી તરફ સંસદસભ્યે પોતાનાં અંગત હિતનો ભોગ પણ આપવો પડતો હતો. ભારતે સંસદસભ્યોનો રોલ નક્કી કરવામાં નજર સામે રાખેલું બ્રિટિશ લોકશાહીનું માળખું પણ આવું જ છે. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સનો મેમ્બર પણ ત્યાંની પ્રજાનો સામાન્ય પ્રતિનિધિ ગણાય છે, જેણે પોતાનો કેટલોક સમય કાઢીને મતદારો વતી સરકાર પાસે જે તે મુદ્દા પર ખુલાસા લેવાના હોય છે. સરકારને ખોટાં પગલાં લેતી રોકવાનું કામ પણ તેનું છે. પરંતુ ફુલટાઇમ કામગીરી માત્ર સરકાર બજાવે છે, સંસદસભ્ય નહિ. હાઉસ ઓફ કોમન્સની બેઠક એટલે જ બપોરે મળે છે. સંસદસભ્યો બપોર સુધી તેમનો અંગત વ્યવસાય કે ધંધો ચલાવતા હોય છે, માટે આવકનાં બ્રિટિશ ધોરણ મુજબ તેમને ઊંચા પગારો અને ભથ્થાં અપાતાં નથી.આપણે ત્યાં પણ શરૂઆતમાં આવું જ વલણ અપનાવાયું હતું. પાર્લામેન્ટની બેઠકો ચાલુ હોય એ દરમ્યાન પાટનગરમાં રોકાવા પૂરતો રોજિંદો ખર્ચ નીકળી જાય એટલી જ રકમ સંસદસભ્યો માટે નક્કી કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં તેમણે બારેમાસ રોકાવું જરૂરી પણ ન હતું, કેમ કે પાર્લામેન્ટનું દરેક સત્ર પ્રમાણમાં ટૂંકું ચાલતું હતું. વખત જતાં સત્રો લંબાતાં ગયાં અને રોજિંદી બેઠકના કલાકો પણ રાજકીય પ્રવૃત્તિ સાથે વધતા ગયા, એટલે પાર્ટટાઇમ ગણાયેલી ડ્યૂટી ફુલટાઇમ બની. સભ્યોના પગાર, ભથ્થાં અને બીજાં સાધનસગવડોમાં વધારો કરવામાં આવ્યો, જે ખરેખર તો તેમણે જાતે જ એક પછી એક ઠરાવો પસાર કરીને મેળવી લીધો. (અત્યાર સુધી આવા કુલ ૨૭ ઠરાવ પસાર કરાયા છે).

તાજેતરમાં થયેલા વધારાને ધ્યાનમાં લો તો હવે દરેક સંસદસભ્યને માસિક રૂપિયા પ૦,૦૦૦નો બાંધ્યો પગાર મળવાનો છે. પાર્લામેન્ટની બેઠકો ચાલુ હોય ત્યારે પ્રતિદિન રૂપિયા ૧,૦૦૦નું ભથ્થું તો જાણે નક્કી છે. મહિને રૂપિયા ૪૦,૦૦૦નું અલાઉન્સ તેમને પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક ચાલુ રાખવા માટે ચૂકવાય છે. વળી ઓફિસ ખર્ચ પેટે મહિને રૂપિયા ૪૦,૦૦૦નું ભથ્થું પણ ખરૂં. સંસદની કે સંસદીય સમિતિની બેઠક ચાલુ ન હોય ત્યારે દરેક સભ્યને અમુક બાંધી રકમ મળે છે, જે કરપાત્ર નથી.

આ સિવાય તેના નામે બે ટેલિફોન (એક દિલ્હીમાં અને બીજો તેના મતવિસ્તારમાં કે નિવાસસ્થાને) મંજૂર કરાય છે. શરૂઆતમાં ૩,૬૦૦ લોકલ કોલ્સ વિનામૂલ્યે જોડવાની છૂટ હતી, આજે ટોચમર્યાદા ૧,પ૦,૦૦૦ કોલ્સ સુધી પહોંચી છે. દિલ્હીમાં પ્રત્યેક સંસદસભ્ય માટે સરકારે આલિશાન બંગલા ફાળવ્યા છે, જે માટે સભ્ય કેન્દ્ર સરકારને માસિક ફક્ત રૂપિયા ૨,૦૦૦ નું ભાડું ચૂકવે છે. બંગલામાં પાણીની વ્યવસ્થા વિનામૂલ્યે મળે છે, જ્યારે ૧,૮૦,૦૦૦ યુનિટ સુધીનું લાઇટબિલ માફ છે. દરેક સંસદસભ્યને (તેમજ તેની પત્નીને) વિમાનના બિઝનેસ ક્લાસમાં ભારતના ગમે તે સ્થળે પ્રવાસ કરવા વર્ષે ૪૦ ટિકિટો સરકાર તરફથી બિલકુલ ફ્રી આપવામાં આવે છે, જ્યારે ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં તો એ અનલિમિટેડ યાત્રા વિનામૂલ્યે ખેડી શકે છે.

પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદમાં ગયા પછી પ્રજાને કેટલા મોંઘા પડે તેનો હિસાબ મોટે ભાગે તેમને ચૂકવાતા પગારના અનુસંધાનમાં મંડાય છે, પણ તેમના કેટલાક વિશિષ્ટાધિકારો એવા છે કે જે સામાન્ય વ્યક્તિને કદી નજરે ચડતાં નથી. દા.ત. સભ્યો માટે પાર્લામેન્ટમાં અલાયદું મેડિકલ સેન્ટર છે, જ્યાં તેમને પ્રથમ વર્ગના સરકારી અમલદારને મળી શકતી તબીબી સારવાર પ્રાપ્ત થાય છે--બેશક, વિનામૂલ્યે ! મોટરકાર ખરીદવા માટે નજીવા વ્યાજે તેમને લોન મળે છે અને તેના લાંબા હપતા બાંધી આપવામાં આવે છે. કેન્દ્ર સરકારનું રેલ્વે બોર્ડ પાર્લામેન્ટ હાઉસમાં સંસદસભ્યો માટે રેસ્ટોરન્ટ ચલાવે છે અને લગભગ મફતના ભાવે ગુલાબજાંબુ અને રસગુલ્લા જેવી વાનગીઓ પીરસ્યા પછી વર્ષે લાખો રૂપિયાની ખોટ કરે છે.

આ બધી સવલતો જાણે પૂરતી ન હોય તેમ નિવૃત થયેલા દરેક સંસદસભ્યને સરકાર મહિને રૂપિયા ૩,૦૦૦ પેન્શન પેટે ચૂકવ્યા કરે છે. આમ, સીધી કે આડકતરી રીતે દરેક સંસદસભ્ય પાછળ ખર્ચાતી રકમનો સરવાળો માંડો તો દેશની પ્રજા તેને વાર્ષિક રૂપિયા ૨૬,૯૩,૦૦૦ના ખર્ચે નિભાવે છે. સાંસદોના આવાસ પાછળ થતા સરકારી ખર્ચને ગણતરીમાં લો તો મહત્તમ આંકડો રૂપિયા ૯,૨૬,૯૩,૦૦૦ સુધી પહોંચે છે. જૂન ૧, ૧૯પ૪ના રોજ સંસદસભ્યોનાં પગાર (મહિને રૂપિયા ૪૦૦) તથા ભથ્થાંનું (મહિને રૂપિયા ૨૧) નિયમન કરતો પ્રથમ કાયદો અમલી બન્યો એ પછી આજ દિન સુધીમાં સરેરાશ બે વર્ષે સંસદસભ્યો ઘરના ભૂવા અને ઘરના ડાકલિયા તરીકે પોતાનું મહેનતાણું જાતે જ વધારતા ગયા છે. ભારતની પ્રજા એ સ્થિતિ સામે કશું કરી શકે તેમ નથી, કેમ કે આપણી લોકશાહીમાં સંસદ સર્વોચ્ચ સ્થાને બિરાજી છે. પ્રજાની આવી લાચારી એ લોકશાહીની ટ્રેજડિ છે.